vipul

Monday, 7 November 2011

બરડા ડુંગર વન્યજીવન અભયારણ્ય
અરબી સમુદ્રની સામે આવેલું બરડા ડુંગર વન્યજીવન અભયારણ્ય પોરબંદરથી આશરે 15 કિ.મી. દૂર સ્થિત છે. બરડા એ રાણાવાવ (પોરબંદર) અને જામનગરના માજી-રજવાડાનું ખાનગી જંગલ હતું, અને તેથી તે હજી પણ રાણા બરડા અને જામ બરડાના લોકપ્રિય નામે ઓળખાય છે. આ સમગ્ર વિસ્તાર સંરક્ષિત વન છે અને વર્ષ 1979માં તેને અભયારણ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો. આ વિસ્તારમાંની વસાહતો અંગે સમજૂતીનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે, પરંતુ અંતિમ જાહેરાત કરવી હજી બાકી છે. આ અભયારણ્ય બે જિલ્લાઓમાં, પોરબંદર અને જામનગરમાં વહેંચાયેલું છે. અહીંની ડુંગરાળ ભૂમિ અને ક્યાંક ક્યાંક આવતા સપાટ મેદાનોમાંથી અસંખ્ય વહેળા, ઝરણાં તથા મોજૂદ ડેમ જંગલને અદ્ભુત બનાવે છે. પ્રાચીન સમયમાં જ્યાં સંતોએ 'મોક્ષ', અંતિમ મુક્તિ પ્રાપ્ત કરી હશે તે ભૂમિ આ જ હશે એવું લાગ્યા વિના ભાગ્યે જ રહે. ખેતરો, પડતર જમીનો અને જંગલની વચ્ચે આવેલું આ અભયારણ્ય હરિયાળો રણદ્વીપ છે.
અભયારણ્ય માત્ર 192.31 ચો.કિ.મી.નો વિસ્તાર ધરાવે છે, છતાં તે સૌથી વધુ વૈવિધ્યપૂર્ણ ફૂલ-વનસ્પતિઓ ધરાવતું હોવાથી અનેક બીમારીઓની દવાઓ માટેનો સંભવિત સ્રોત છે, અને તેથી જ તે વધુ જાળવવાને લાયક છે. બરડાનો ભૂમિપ્રદેશ લગભગ ડુંગરાળ છે અને દરિયાઈ સપાટીથી 79.2 મીટરથી લઈને 617.8 મીટરની ઊંચાઈ ધરાવતી ઊંચી-નીચી ટેકરીઓ ધરાવે છે. અમુક સ્થળોએ, ખુલ્લા ખડકો સાથેનો સરળ ઢોળાવ છે. અહીંની બે મોસમી નદીઓ છે બિલેશ્વરી અને જોગ્હરી. ખંબાલા અને ફોદારા એ અભયારણ્યમાં આવેલા બે મહત્ત્વના બંધ(ડૅમ) છે.
આ વિસ્તારમાં 68 જેટલી નેસમાં માલધારીઓના આશરે 750 પરિવારો (4000 લોકો) રહે છે. ઉનાળાના મહિનાઓમાં જંગલ વિસ્તારની આજુબાજુ આવેલા ખેતરો અને પડતર જમીન વિસ્તારોમાં પાણીની તીવ્ર અછત ઊભી થાય છે. જો કે, જંગલનો હરિયાળો ભાગ, ભૂતળના જળને રિચાર્જ કરીને અને અભયારણ્યમાંના નાના બંધ માટે કૅચમેન્ટ વિસ્તારની રચના કરતો હોવાથી સમગ્ર વિસ્તારમાં પાણીનું સ્તર સુધરે છે, અને આમ તેનાથી આખા વિસ્તારને ઇકોલૉજિકલ સુરક્ષા અને પર્યાવરણ સંબંધી સ્થિરતા મળે છે. અરબી સમુદ્રથી માત્ર 15 કિ.મી. જેટલા અંતરે આવેલું આ જંગલ, આ પ્રદેશમાં ખારાશને આગળ વધતી અટકાવવા જાણે ચોકિયાતનું કામ આપે છે. આ વન અત્યંત વૈવિધ્યપૂર્ણ ફૂલ-વનસ્પતિઓ ધરાવે છે અને હજી નજીકના ભૂતકાળ સુધી તે એશિયાઈ સિંહોનું રહેઠાણ હતું. જંગલની બરાબર મધ્યમાં, જામનગરના 'જામસાહેબે' વિકસાવેલું ખૂબ સુંદર એવું કિલેશ્વર, મંદિર અને શિબિરસ્થળ આવેલું છે. અહીંના સસ્તન પ્રાણીઓમાં રૅટલ, ચિત્તો અને વરૂનું અસ્તિત્વ જોખમમાં ગણાય છે. જ્યારે અહીં મળતા સરિસૃપોમાં, મગર અને કાંચીડો દુર્લભ જાતિઓ ગણવામાં આવે છે. ચાર સામાન્ય ઝેરી સાપોમાંથી, ત્રણ અહીં જોવા મળે છે. ખેચર જાતિઓમાં પણ અહીં ખૂબ વિવિધતા જોવા મળે છે. અભયારણ્યમાં જોવા મળતાં પક્ષીઓની કમસે કમ બે જાતિઓ દુર્લભ/જોખમમાં છેઃ ટપકાંવાળા ગરુડ અને કલગીવાળા બાજ-ગુરુડ.
આ ઉપરાંત, અભયારણ્યમાં અપૃષ્ઠવંશી જાતિઓની પણ ભરપૂર વિવિધતા વસે છે, જેમાં ભિન્ન ભિન્ન પ્રકારનાં પતંગિયાઓનો સમાવેશ થાય છે. નજીકના ભૂતકાળમાં અહીં વસતાં સિંહ, ચિંકારા, સાબર અને ટપકાંવાળા હરણને બરડામાંથી ખસેડવામાં આવ્યાં છે. અભયારણ્યનો વિસ્તાર નાનો હોવા છતાં, અહીં વિવિધ પ્રકારનાં જંગલો છે.
સંપર્ક કરો વનસંરક્ષક કાર્યાલય, પોરબંદર, ટેલિફોનઃ 02862242551.





અહીં કેવી રીતે પહોંચી શકાય


જામનગર રાજકોટથી ૯૨ કિ.મી દૂર છે.
સડક માર્ગેઃ રાજ્ય પરિવહન નિગમની બસો અને ખાનગી લક્ઝરી બસો દ્વારા જામનગર ગુજરાતનાં વિવિધ કેન્દ્રો સાથે જોડાયેલું છે. જો આપ રાજકોટથી બસ દ્વારા આવે છો, તો તે બસ સ્ટેશન પહોંચતાં પહેલાં શહેરમાંથી પસાર થાય છે, તો આપ બેડી ગેટ ઉતારવાનું કહી શકો.



રેલ માર્ગેઃ પશ્ચિમ રેલવે પર સીધી અમદાવાદને જોડતી દૈનિક ટ્રેનો છે.
હવાઈ માર્ગેઃ શહેરથી 10 કિલોમીટરના અંતરે વિમાનમથક આવેલું છે, જેથી ત્યાંથી રિક્ષા અથવા ટેક્સી દ્વારા શહેરમાં આવવું અપેક્ષાકૃત બિનખર્ચાળ છે. દેશમાં આવાગમન કરતી વિવિધ વિમાની કંપનીઓ જામનગરને મુંબઈ સાથે જોડે છે.

No comments:

Post a Comment