vipul

Tuesday, 8 November 2011


6ઠ્ઠી એપ્રિલ, દાંડીકૂચ – મીઠાના કાયદાનો અને બ્રિટિશરોની આબરૂનો થયો ભંગ

dandi-yatra
12મી માર્ચ, 1930ના રોજ ‘બાપુ’એ કૂચ ઉપાડી મીઠા પર લાદેલા કરના કાયદાને ભંગ કરવા દાંડી તરફ. બાપુની ઉંમર 61 વર્ષની અને તેમાંય નવસારી નજીક આવેલું દાંડી ગામ 385 કિ.મી દૂર. તેમ છતાં ગરીબો પર આવી પડેલી આ આફતને ગમે તે ભોગે દૂર કરવા તેઓ મક્કમ બન્યાં હતાં. તેમણે આ ’દાંડીકૂચ’ 25 દિવસમાં પૂરી કરીને 6ઠ્ઠી એપ્રિલે મીઠાના અગરો પર જઈ હાથમાં મીઠું લઈ કાયદાનો ભંગ કરી બ્રિટિશરોની તાકાતને નબળી પાડી હતી.
એ વખતે 1700ની વસ્તીમાં પણ 800 મણ (1600 કિગ્રા) જેટલું મીઠું ખપતું જે સ્પષ્ટ રીતે સાબિતી આપતી હતી કે મીઠું દરેક માનવીની પ્રાથમિક જરૂરિયાતમાંની એક હતી (અત્યારે પણ છે). મીઠાના કરનું અંકગણિત ગણાવતા ગાંધીજીએ કહયું ” દશ પૈઈના મીઠા પર બસો પાઈની જકાત નાખી સરકાર ગરીબ માણસોને પણ નીચોવી દે છે. આ અમાનુશી ઈજારા પદ્ધતિ સામે મીઠાના અગરો પર હલ્લો લઈ જવાનું હું વિચારૂ છું” ગાંધીજીમાં પ્રજાને તૈયાર કરવાની અજબ શક્તિ હતી. સાબરમતી આશ્રમમાં છેલ્લી સભામાં દાંડીકૂચમાં બહેનોને દાખલ કરવાનો પ્રશ્ર ઊભો થયો. ગાંધીજીએ કહ્યું ‘ બહેનોનો વારો પછીથી આવશે, આ વખતે તો મારે આપણા જુવાનોને તથા આધેડોને માથાં ફોડવતા અને છાતીમાં ગોળી ઝીલતા શીખવવું છે. આ સરકારને હું શૈતાની કહું છું મારો જન્મ બ્રિટિશ સામ્રાજયનો નાશ કરવા માટે થયો છે.
દાંડીમાં મીઠાની ચપટી ભરતા ગાંધીજીએ કહ્યું બ્રિટીશ સામ્રાજયની ઈમારતના પાયામાં હું આજથી લુણ લગાવું છું. ૧૯૩૦ એપ્રિલ તા. ૬ઠ્ઠીની આ પ્રભાત વાણી યજ્ઞ પુરૂષની ગંભીર વાણી અને ભાવિ ભારતના રાષ્ટ્રપિતા ગાંધીજીની આગાહી ૧૯૪૭, ૧૫મી ઓગષ્ટે સાચી પડી અને તેમણે તેમ કરી બતાવ્યું. 15મી ઓગસ્ટ 1947ની તારીખ એકેય ભારતીય ભૂલી શકે એમ નથી પરંતુ આઝાદીની ચળવળમાં મજબૂત જુસ્સો અને વેગ ભરનાર આ દાંડીકૂચનો અંતિમ દિવસ પણ ભૂલી શકાય તેમ નથી.
ભારતની આઝાદીમાં મહત્ત્વનો ભાગ ભજવનાર આજના દિવસને ગુજરાતી લેક્સિકોન યાદ કરે છે ત્યારે આ વિશે આપના પ્રતિભાવો અને સંસ્મરણો આવકાર્ય છે.

No comments:

Post a Comment