vipul

Sunday, 13 November 2011

સ્ટ્રેસ ટેસ્ટ

સ્ટ્રેસ ટેસ્ટ એટલે કસરત કરતાં કરતાં લીધેલ કાર્ડિઓગ્રામ. ભારે પરિશ્રમ વખતે જ છાતી દુ:ખવાની ફરિયાદ કરતા હ્રદયરોગ (એન્જાઇના પેકટોરિસ) ના અનેક દર્દીઓનો, આરામના સમયે લીધેલ, કાર્ડિયોગ્રામ બિલકુલ નોર્મલ આવે છે. આવા દર્દીઓમાં છાતીનો દુ:ખાવો ખરેખર હ્રદયરોગને કારણે છે કે અન્ય કોઇ કારણે છે એ નકકી કરવા માટે સ્ટ્રેસ ટેસ્ટ તરીકે ઓળખાતી તપાસ કરવામાં આવે છે.
દર્દીનો આરામની સ્થિતિમાં કાર્ડિયોગ્રામ લીધા પછી કાર્ડિયોગ્રામના વાયરો દર્દી સાથે જોડેલ રાખીને જ દર્દીને સરકતાં રોલર (ટ્રેડ મીલ) પર ચાલવાનું કહેવામાં આવે છે. ઘીમે ઘીમે રોલરની ઝડપ વધારતા જઇ દર્દીની ચાલવાની ઝડપ વધારવામાં આવે છે. દર ત્રણ મિનિટે ઝડપમાં વધારો કરતા રહી, દર્દીની કસરત કરવાની મહત્તમ ક્ષમતા માપવામાં આવે છે.
એન્જાઇના પેકટોરિસ (હ્રદયશૂળ) ના દર્દીઓ ઉપરાંત હ્રદયરોગના અન્ય દર્દીઓ પર પણ સ્ટ્રેસ ટેસ્ટ કરવામાં આવે છે. જે દર્દીને હાર્ટ એટેકનો હુમલો આવી ગયો હોય એવા દર્દીને હોસ્પિટલમાંથી રજા આપતી વખતે કે એ પછી થોડા સમયે, દર્દીની કસરત કરી શકવાની ક્ષમતા જાણવા માટે અને હ્રદયની અન્ય કોઇ ધમનીઓમાં તકલીફ છે કે નહીં તે નકકી કરવા માટે અને આ જ રીતે બાયપાસ સર્જરી કે બલૂન એન્જિયોપ્લાસ્ટી જેવાં ઓપરેશન કર્યા પછી પણ ઓપરેશન સફળ થયું છે કે નહીં જાણવા માટે સ્ટ્રેસ ટેસ્ટ કરવામાં આવે છે.
કેટલાક દર્દીઓમાં હ્રદયના ધબકારની ગતિ વધઘટ થતી હોય કે નાડી અનિયમિત ચાલતી હોય એમાં સાદા કાર્ડિયોગ્રામ ઉપરાંત કયારેક સ્ટ્રેસ ટેસ્ટ જરૂરી થઇ પડે છે. હાઇબ્લડપ્રેશરના દર્દી કે વાલ્વની બીમારીના દર્દીઓની કસરત કરવાની ક્ષમતા માપવા માટે પણ સ્ટ્રેસ ટેસ્ટ કરવામાં આવે છે.
સ્ટ્રેસ ટેસ્ટ કોણે કરાવવો? શા માટે?
ચોખ્ખી જરૂરિયાત :

(૧) જે દર્દીને શ્રમ કરવાથી છાતીમાં દુ:ખાવો થતો હોય; હ્રદયના ધબકારા વધતા હોય કે ચક્કર આવતા હોય એમને હ્રદયરોગ છે કે નહીં એ નક્કી કરવા માટે.
(૨) હ્રદયરોગની શંકા હોય એવા પુરુષ દર્દીઓ જેમનાં લક્ષણો દુ:ખાવાને બદલે સહેજ જુદાં હોય એમનું નિદાન નક્કી કરવા માટે.
(૩) એન્જાઇના કે એટેકનો હુમલો આવી ગયા પછી હ્રદયની કસરત કરવાની ક્ષમતા ચકાસવા માટે.
(૪) બાયપાસ સર્જરી કે એન્જિયોપ્લાસ્ટી કર્યા પછી હ્રદયની કસરત કરવાની ક્ષમતા ચકાસવા માટે.
(૫) હાઇબ્લડપ્રેશરના દર્દીને જયારે વધુ કસરત કરવાની જરૂર પડે, ત્યારે એની ક્ષમતા અને બ્લડપ્રેશરની વધઘટ જોવા માટે.
(૬) વાલ્વની બીમારીમાં દર્દીની કસરત કરવાની ક્ષમતા ચકાસવા માટે.
કદાચ જરૂર પડે :
(૧) હ્રદયરોગની શંકા હોય એવી સ્ત્રી દર્દીઓ જેમને શ્રમથી દુ:ખાવાની કે દુ:ખાવા સિવાયની તકલીફ હોય.
(૨) હ્રદયરોગના દર્દીનું વારંવાર ચેકઅપ કરવા માટે.
(૩) પાયલોટ, પોલીસ, ડ્રાઇવર જેવા વ્યવસાય કરનાર ૪૦ વર્ષથી મોટી ઉંમરના લોકો કે હ્રદયરોગ થવાનાં બે-ત્રણ જોખમી પરિબળો ધરાવતા લોકો; કે ખૂબ વધારે કસરત કરવા માગતા લોકોની તપાસ માટે.
(૪) હ્રદય જયારે લોહીનું પંપીંગ બરાબર ન કરી શકતું હોય ત્યારે એ દર્દીની કસરત કરવાની ક્ષમતા ચકાસવા માટે.
જરૂર નથી:
(૧) માત્ર એકાદ અનિયમિત ધબકાર થતો હોય એવા દર્દીને જેમનામાં અન્ય કોઇ હ્રદયરોગનાં ચિહ્નો ન હોય.
(૨) વારંવાર (દા.ત. દર મહિને) હ્રદયની ક્ષમાતામાં સુધારો થતો જોવા માટે.
(૩) જેમને ડીજીટાલીસ નામની દવા ચાલતી હોય.
(૪) યુવાન કે મધ્યમ વયના માણસો જેમનામાં હ્રદયરોગનાં કોઇ જોખમી પરિબળો હાજર ન હોય કે હ્રદયરોગ સિવાયના કારણે છાતીમાં દુ:ખાવો થતો હોય.
સ્ટ્રેસ ટેસ્ટ કોણે ન કરાવવો
(૧) જેમને એન્જાઇનાનો દુ:ખાવો ઉત્તરોત્તર વધતો જતો હોય અને આરામના સમયે પણ દુ:ખાવો થતો હોય.
(૨) જેમના હ્રદયની ગતિ ખૂબ અનિયમિત હોય.
(૩) જેમનું હ્રદય લોહીનું પંપીંગ બરાબર ન કરી શકતું હોય. પરિણામે લીવર - પગ પર સોજા આવ્યા હોય કે સૂતાં સૂતાં શ્વાસ ચડતો હોય.
(૪) હાઇબ્લડપ્રેશર બેકાબૂ રહેતુ હોય.
(૫) હ્રદય પર સોજો આવ્યો હોય.
(૬) હ્રદયનો વાલ્વ ખૂબ સાંકડો થઇ ગયો હોય.
આમ, સ્ટ્રેસ ટેસ્ટના અનેક જુદા જુદા ઉપયોગ થઇ શકે છે. અલબત્ આ ટેસ્ટ સાદા કાર્ડિયોગ્રામ જેટલો સલામત તો નથી જ. દસ હજાર દર્દીઓ પર સ્ટ્રેસ ટેસ્ટ કરવામાં આવે તો એમાંથી (ટેસ્ટને કારણે) એક દર્દીનું મૃત્યુ થાય અને બે દર્દીઓને હાર્ટ એટેકના હુમલા જેવાં ભારે કોમ્પ્લિકેશન થઇ શકે છે.
આથી જ સ્ટ્રેસ ટેસ્ટ વખતે દર્દીને કાંઇ પણ તકલીફ થાય તો તરત ટેસ્ટ બંધ કરી દેવામાં આવે છે. છાતીમાં દુ:ખાવો થવો, હાંફ ચડવી, ચકકર આવવા, ખૂબ થાક લાગવો, ગભરામણ થવી વગેરેમાંથી એક પણ ફરિયાદ જો દર્દી કરે તો તાત્કાલિક ટેસ્ટ બંધ કરીને દર્દીને આરામ કરવાનું જણાવાય છે. વધારાનાં કોમ્પ્લિકેશનો અટકાવવા માટે જ સામાન્ય રીતે ટેસ્ટ કરવાના ત્રણ કલાક પહેલાંના ગાળામાં દર્દીને ખોરાક ખાવાની અને ચા-કોફી કે બીડી-સિગારેટ પીવાની મનાઇ ફરમાવામાં આવે છે.
જો સ્ટ્રેસ ટેસ્ટ પોઝીટીવ આવે (એટલે કે સ્ટ્રેસ ટેસ્ટમાં કોઇ ખરાબી આવે) તો એ પ્રમાણે યોગ્ય સારવાર કે ઓપરેશનની સલાહ આપી શકાય છે.

No comments:

Post a Comment