છોટી કાશીનાં આ ભોળેશ્વર મહાદેવની દંતકથા જાણવા જેવી છે
શહેર ઉપરાંત જિલ્લાના પૌરાણિક શિવમંદિરો પણ એટલા જ પ્રખ્યાત છે. જેમાંનું એક છે, લાલપુરનું ભોળેશ્વર શિવ મંદિર, આ મંદિર પ્રત્યે ભક્તો અતૂટ શ્રધ્ધા ધરાવે છે. મંદિર જેટલું ભવ્ય છે, તેનો ઈતિહાસ પણ તેટલો જ રસપ્રદ છે. લોકવાયકા મુજબ લાલપુરના ગજણાથી દુર ઢાંઢર અને મુખાવટી નદીનો સંગમ થાય તેવી તપોવન ભુમિ પર ભગવાન ભોળાનાથને બિરાજી પ્રગટ થવા ઇચ્છા થઇ હતી.
ગુર્જર સુતાર નારણભાઇ રૈયાભાઇ પીસાવાડીયાની ગાયને એક રાફડા પર દુધ વરસાવી ઘણમાં પાછી જતી. આમ બે-ચાર દિવસ ગાયે ઘરે દુધ ન આપતા, નારણભાઇએ ગોવાળને પુછયું. તો ગોવાળે નારણભાઇને ઘણમાં સાથે આવવા કહયું. સાંજે ગાયને ઘણથી છુટી પડી રાફડા પર દુધ વરસાવતી જોઇ નારણભાઇને આશ્ચર્ય થયું. રાત્રે શિવ ભક્ત નારણભાઇને ભોળાનાથે સપનામાં દર્શન આપી કહયું. તારી ગાય મારા પર દુધ વરસાવે છે. મને બહાર કાંઢી સ્થાપના કર.
બીજા દિવસે નારણભાઇએ ગામના સ્વજનોની સાથે રાફડાની માટી ખોદી ત્યાં શિવલીંગ રૂપે પ્રગટ થતાં વિધિપૂર્વક સ્થાપના કરી. ભોળેશ્વર નામ આપ્યું. ભોળેશ્વર દાદાના મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ શુદ આઠમ તથા શ્રાવણ વદ તેરસ, ચૌદસ, અમાસનાં દિવસે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં મહાદેવીયાની મંડળી દ્વારા નાટક અને કાન ગોપીનું આયોજન તા. ૨૮ના રાત્રે ૯ કલાકે કરવામાં આવ્યું છે. શ્રાવણ માસમાં ભક્તો પગપાળા ભગવાન ભોળેશ્વરના મંદિરે દર્શન કરવા જાય છે. શ્રાવણ માસનાં રવિવારે તથા સોમવારે મેળા જેવું વાતાવરણ જોવા મળે છે. જામનગરથી ભોળેશ્વર ચાલીને આવતા યાત્રાળુઓ માટે ભાવિક ભક્તો દ્વારા રસ્તામાં ચા-પાણી તથા ફરાળ માટેનાં સ્ટોલો ઉભા કરવામાં આવે છે.
No comments:
Post a Comment