પવિત્ર યાત્રાધામ ચોટીલા મંદિર પાછળની આ દંતકથા જાણો
ચોટીલા સૌરાષ્ટ્રનું મુખ્ય પ્રવેશદ્વાર ગણાય છે. પાંચાળ પ્રદેશના રાજવીની પુત્રી પાંચાળી એટલે કે દ્રૌપદીનું પિયર મનાતા ‘પાંચાળ’ વિસ્તારનો મુખ્ય પ્રદેશ ચોટીલા છે.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપેલ તે વિખ્યાત કવિ ઝવેરચંદ મેઘાણીનો જન્મ પણ ચોટીલામાં જ થયો હતો, તેવી જ રીતે લાખો ભાવિકો માટે શ્રદ્ધાના પ્રતીક સમાન ચોટીલાના ડુંગર પર માતા ચામુંડા હાજરાહજૂર બિરાજમાન છે.
પાંચાળ વિસ્તારના ચોટીલા પંથકની ભૂમિનો સોનેરી અને ભવ્ય ઇતિહાસ પંથકની પ્રજાના વાણી વિચાર, મહેમાનગતિ, નીતિરીતિ, દિલેરી, બહાદુરી, સંત, સતી અને શૂરા તથા ભક્તોની ભવ્ય રૂડી ગાથા સાથે આ ભૂમિના કાંકરે કાંકરે કંડારાયેલો છે.
આવા આ રૂડા પાંચાળ પંથકના ચોટીલામાં પ્રજાના છત્ર સમાન ચોટીલાના ડુંગર પર ચામુંડા માતાજીના સ્થાનકે દેશ-વિદેશથી લાખો માઇભક્તો પૂર્ણ શ્રદ્ધા સાથે માડી સમક્ષ શિશ ઝુકાવવા આવે છે. ડુંગર પર ચામુંડા માતાજીની સેવા-પૂજા ૧૪૦ વર્ષથી ગોસાઇના પરિવારના સભ્યો કરી રહ્યા છે.
વર્ષની ત્રણ મુખ્ય નવરાત્રિ મહા, ચૈત્ર તથા આસો માસમાં માતાજીના ડુંગર પર અને સમગ્ર તળેટી તથા હાઇવે પર જાણે કે ધાર્મિક મિની કુંભમેળો ભરાયો હોય તેવાં રૂડાં ધાર્મિકસભર દ્રશ્યો જોવાં મળે છે. ખાસ કરીને આસો માસની નવરાત્રિથી છેક દિવાળી સુધી મોટી ઉંમરના વયોવૃદ્ધો પણ હૃદયમાં માતા પ્રત્યેની અપાર શ્રદ્ધા સાથે સડસડાટ ડુંગર ચઢી જાય છે.
જ્યારે અસંખ્ય માઇભક્તો આળોટતાં આળોટતાં કે દંડવત્ પ્રમાણ કરતાં ડુંગરનાં ૬૨૫ પગથિયાં સડસડાટ ચઢી જાય તે દ્રશ્ય જોઇને ભલભલા નાસ્તિક માનવીનું મસ્તિષ્ક પણ ઝૂકી જાય છે. ડુંગર તળેટીમાં પગથિયાં પાસે ચામુંડા ડુંગર ટ્રસ્ટના ભોજનાલયમાં દરરોજ બપોરે માઇભક્તોને લાપસી-દાળભાત-શાકનો પ્રસાદ પ્રેમપૂર્વક જમાડવામાં આવે છે.
ચામુંડા માતાજીના ડુંગરનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો હોવાનો ઉલ્લેખ થાનપુરાણ નામના પુસ્તકમાં જોવા મળે છે. વર્ષો પહેલાં ડુંગર ઉપર ચામુંડા માતાજીની રાતદિન ભક્તિ-પૂજા કરતાં મહંત ગોસાઇ પરિવારના વડવા સ્વ.ધનબાઇ માતા એક વખત વહેલી પરોઢે ડુંગર ઉપર ચામુંડા માતાજીની ભક્તિમાં લીન હતાં ત્યારે અચાનક જ એક ઋષિમુનિ જેવા દેખાતા સાધુપુરુષે ધનબાઇ માતાને ‘અહીં એક મોટો કુંડ હતો તેનું શું થયું’ તેમ પૂછીને આ સાધુપુરુષ અદ્રશ્ય થઇ ગયા હતા.
જ્યારે લોકવાયકા પ્રમાણે ડુંગર પર ભૃગુઋષિનો આશ્રમ હતો. તેવી જ રીતે ચોટીલાના પવિત્ર પુરુષ મનાતા કાઠી દરબાર સ્વ.સોમલાબાપુ ખાચર પણ ચામુંડા માતાજીના અનન્ય ભક્ત હતા. સોમલાબાપુ ખાચર ઘોડા પર બેસીને બહારગામ જાય ત્યારે તેમની સાથે રાખેલા ભાલા પર માતા ચામુંડા ચકલીનું સ્વરૂપ ધારણ કરીને તેમની રક્ષા કરવા બેસતાં હતાં.
ચામુંડા માતાની ડુંગર તળેટીમાં તથા હાઇવે પર દુકાનોમાં ધાર્મિક કેસેટો-પ્રસાદ-ચૂંદડી-માતાજીના છત્ર-માનતા માટેનાં પારણાં- સ્ત્રી શણગાર- રમકડાં સહિત સેંકડો વસ્તુઓ વેચાય છે.
ચોટીલા ડુંગરની તળેટીમાં ધર્મશાળામાં રોજ દર્શનાર્થીઓની સંખ્યા વધતી જ જાય છે
અમદાવાદના રીક્ષાવાળાઓ વિષેની એક દંતકથા!
સાયકલ પણ ન નિકળી શકે એટલી જગ્યામાંથી એ લોકો આખી રીક્ષા કાઢતા! સ્કૂલ-રીક્ષામાં ખીચોખીચ છોકરાં- દફ્તરો ભરી બેફામ હંકારતા. ઉપરથી કેરોસીનથી રીક્ષા ચલાવીને સ્વર્ગનું વાતાવરણ બગાડતા. ના, ત્યાં સી.એન.જી. નહોતુ પહોંચ્યુ કારણ કે સ્વર્ગમાં ઉદ્યોગપતિઓને જમીનો કે બીજી કોઈ ખાસ સવલતો આપવામાં નહોતી આવતી!
બાકી હોય એમ નારદજી એ સ્વર્ગમાં ‘દેવ લોકપાલ બિલ’ લાવવા માટે અંદોલન શરુ કરવાની ફિરાકમાં હતા અને પોતાની ખાસ વિદ્યા નો ઉપયોગ કરી ને એમણે દેવોમાં ફાટફૂટ પડી ને મોટા ભાગના દેવો ને પોતાના પક્ષે કરી લીધા હતા! આથી ઇન્દ્રદેવ પણ નારદજી ને ચિત કરવા માટેના નવા દાવ શોધવામાં વ્યસ્ત હતા એટલે ટ્રાફિક જેવી ક્ષુલ્લક બાબતો માટે એમને સમય નહોતો.
એમાં બે દિવસ પહેલાં જ પગથી સાઇડ બતાવીને ઓચિંતો વળી ગયેલો રીક્ષાવાળો પાછળ વાઘ પર આવતા માતાજી સાથે ભટકાયો. માતાજી એ કમિશ્નર કાર્તિકેયને ફરીયાદ કરી તો એ પણ કહે કે એક રીક્ષાવાળાએ મારા મોરના પીછા પર રીક્ષા ચડાવીને ભર ચોમાસે એને બાંડીયો કરી દીધો છે એટલે હું પણ એ લોકો ઘામાં આવે એની જ રાહ જોઉં છું.
જ્યારે મહાદેવજીનો પોઠીયો લંગડો થઇ ગયો અને ગણપતીજીના ઉંદરની પૂંછડી ચગદાઇ ત્યારે તો એક જ ઘરમાં ચાર કેસ થાયા! અને હદતો ત્યારે થઇ કે ખોડીયાર માતાનો મગર અને ભગવાન વિષ્ણુનો ગરુડ પણ હડફેટે ચડ્યા! એમાં ગરુડ તો બિચરો સાંકડી ગલીની લારી પર બાંકડે બેસી ગાંઠિયા ખાતો હતો ત્યાં કોક ગઠીયો ટક્કર મારી ગયો! આમ શ્રી હરીને પોતાને જ ટાંટીયા તોડવાનો વારો આવ્યો એટલે એમણે પણ છેવટે કેસ પોતાના હાથમાં લઇને તડીપારના ઓર્ડર પર મત્તુ મારી દીધુ!
આમ રીક્ષાવાળાઓને તડીપાર કર્યા પછી સ્વર્ગની આજુબાજુ ઉંચો કોટ ચણી દીધો જેથી એ લોકો પાછા સ્વર્ગમાં ના ઘુસી જાય. પછી તો સ્વર્ગમાં રાહતની લાગણી ફેલાઇ. હા, નારદજી જેવાને જે મફતમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું મળતું હતું એ બંધ થયુ પણ સરવાળે બધા ખુશ હતા!
એવામાં એક દિવસ સ્વર્ગમાં ગાજ-વિજ સાથે ભારે વરસાદ થયો. ઠેર ઠેર જળ બંબાકાર! વરસાદ એટલો ભારે કે અટકવાનું નામ ન લે. કાન ફાડી નાખે એવા કડાકા અને આંખો અંજાઇ જાય એવી વિજળી થતી હતી. એવામાં એક મોટો કડાકો થયો અને નબળા બાંધકામવાળા કોટમાં તિરાડ પડી! હા ભાઇ, ત્યાં પણ અ.મ્યુ.કો.નો કોઇ સીટી એન્જિનિયર ઘુસ્યો હશે ને!
હા, તો વીજળી પડવાથી સ્વર્ગના કોટમાં તિરાડ પડી....અને બીજા દિવસથી રિક્ષાવાળાઓ પાછા સ્વર્ગમાં ફરતા થઇ ગયા!
રાજુથી રા.વન : જેન્ટલમેનની દંતકથા
શાહરુખની પરીકથા જેવી સફળતાનું સત્ય તેની કાલ્પનિક હોવાની વાતનું ખંડન કરે છે. કોઈ ફિલ્મસ્ટારનું આ રીતે ધરતી સાથે જોડાયેલા હોવું અને સામાન્ય માણસનું આટલા મોટા ફિલ્મસ્ટાર બનવું આશ્ચર્યજનક છે.
શાહરુખ ખાનના પિતાએ દેશના સ્વાતંત્રયસંગ્રામમાં ભાગ લીધો હતો અને ખુદ શાહરુખને પણ સૈન્યની પૃષ્ઠભૂમિ ધરાવતી ધારાવાહિક ‘ફૌજી’માં તક મળી હતી. જોકે, શાહરુખની પ્રથમ ફિલ્મ અઝીઝ મિર્ઝાની ‘રાજુ બન ગયા જેન્ટલમેન’ હતી. શબનમ કપૂરે અરમાન કોહલીને હટાવીને ‘દીવાના’માં શાહરુખને તક આપી અને કરાર કરેલી બીજી ફિલ્મ પહેલા રિલીઝ થઈ. હવે આજે લગભગ વીસ વર્ષ બાદ તેની સુપરહીરો ફિલ્મ ‘રા.વન’ પ્રદર્શિત થવા જઈ રહી છે. ‘રાજુ બન ગયા જેન્ટલમેન’ મનોરંજન જગતનો એક છેડો છે તો સુપરહીરો ‘રા.વન’ તેનો બીજો છેડો છે.
સામાન્ય માણસની નબળાઈઓ સાથે હીરોને રજુ કરનારી ફિલ્મોની પરંપરા આ માધ્યમથી પહેલા ચાર્લી ચેપ્લીને શરૂ કરી હતી અને સુપરહીરો ફિલ્મો માધ્યમમાં ટેક્નોલોજીના વિકાસને રજૂ કરનારી ફિલ્મો છે. દુનિયાભરના દર્શકોમાં બાળકોની વધી ગયેલી સંખ્યા આ પ્રકારની ફિલ્મોની સફળતાનો આધાર છે. આ બંને ફિલ્મો શાહરુખની યાત્રાના આરંભ (‘રાજુ’) અને તેમના ટોચ (‘રા.વન’) પર પહોંચવાનું પ્રતીક પણ બની જાય છે.
આ જ રીતે આ બંને ફિલ્મો આજની ભારતીય સિનેમાના પણ બે ચહેરા બની જાય છે. હકીકતમાં ‘રા.વન’નો નાયક પણ અઝીઝ મિર્ઝાનો ‘રાજુ’ જ છે, પરંતુ આ વખતે તે પોતાની નબળાઈઓને બદલે કેટલીક અસાધારણ શક્તિઓ સાથે રજુ થઈ રહ્યો છે. નુક્કડનો ‘રાજુ’ હવે ‘યસ બોસ’ના નાયકની જેમ ‘ચાંદ-તારા’ તોડી લાવવાની તાકાત સાથે રજુ થઈ રહ્યો છે.
શું ૧૯૯૨માં શાહરુખ રાજુના દૂરબીનથી ૨૦૧૧ની ‘રા.વન’ને જોઈ શક્યા હતા કે પછી આજે કોઈ જાદુઈ દૂરબીનના પાછળના છેડાથી ‘રાજુ’ને જોઈ શકે છે? આ પ્રકારની સમયને પેલે પાર જોનારી દૂરબીનના બદલે લોકપ્રિયતાની ટોચે ઊભેલો શાહરુખ જો પોતાના અત્યંત વ્યસ્ત શિડÛુલમાંથી થોડીક મિનિટો કાઢીને પોતાના દિલમાં ઝાંખશે તો ત્યાં તેને ‘રાજુ’ હસતો જોવા મળશે.
‘રાજુ’થી ‘રા.વન’ સુધીની આ સફર સરળ ન હતી. શાહરુખે ઘણો સંઘર્ષ કર્યો છે. આ બધાં વર્ષો દરમિયાન ભારતમાં અનેક ઘટનાઓ ઘટી છે, જેની અસર બધા જ નાગરિકો પર પડી છે. ફિલ્મઉદ્યોગમાં પણ અનેક પરિવર્તન આવ્યાં છે. મલ્ટિપ્લેક્સની શરૂઆત થઈ, કોર્પોરેટ સંસ્કૃતિનો પ્રવેશ થયો, વિદેશોમાં ભારતીય લોકોની સંખ્યા વધવાથી સિનેમાના વિદેશ વ્યાપારમાં અસાધારણ વધારો થયો. શાહરુખના ફિલ્મસ્ટાર તરીકેના ગ્રાફમાં આમાંથી કેટલીક ઘટનાઓની અસર થઈ છે અને કેટલીક ઘટનાઓએ તેના જીવન અને વિચારોને બદલવાનું કામ કર્યું છે. ટેક્નોલોજીની અસર દરેકના પર થઈ છે.
તમામ વિરોધાભાસ અને વિસંગતિઓ વચ્ચે અજબ-ગજબ ભારત સમગ્ર વિશ્વમાં બ્રાન્ડ બનીને ઉભર્યું છે. હકીકતમાં બિન-ફિલ્મી પરિવારમાંથી આવતા શાહરુખ ખાનનો ઉદય આ અજબ-ગજબ ભારતની રહસ્યમય પદ્ધતિઓનું શ્રેષ્ઠ ઉદાહરણ બનીને સામે આવે છે. ભારતમાં કંઈક એવું ઘટયું છે કે તે સમયના કાલ્પનિક કાળખંડ હોવાનો આભાસ કરાવે છે. તેમાં શાહરુખની પરીકથા જેવી સફળતાનું સત્ય તેની કાલ્પનિક હોવાની વાતનું ખંડન કરે છે. કોઈ ફિલ્મસ્ટારનું આ રીતે ધરતી સાથે જોડાયેલા હોવું અને સામાન્ય માણસનું આટલા મોટા ફિલ્મસ્ટાર બનવું આશ્ચર્યજનક છે. આ જ શાહરુખની દંતકથા અને તેની સચ્ચાઈ છે.
એક્સ્ટ્રા શોટ : શાહરુખ ખાન અત્યાર સુધી આઠ વખત સર્વશ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મફેર પુરસ્કાર જીતી ચૂકયો છે, જે એક રેકોર્ડ છે.
No comments:
Post a Comment